ચીનમાં દસ માળની ઇમારત ફક્ત ૨૮ કલાકમાં જ બનીને તૈયાર.




 ➢જ્યારે કોઈ ઇમારત ઊભી કરવાની વાત આવે છે ત્યારે તેના માટે મોટાપાયા પર આયોજન કરવું પડે છે, તૈયારીઓ કરવી પડે છે અને પછી તેને બનાવવામાં કેટલાય મહિનાઓનો સમય લાગે છે. પણ ચીનની એક કંપનીએ તો દસ માળની ઇમારત બનાવવામાં એટલો ઓછો સમય લીધો કે જે સાંભળીએ તો પણ અશક્ય લાગે. આ દસ માળની ઇમારતને ફક્ત ૨૮ કલાક અને ૪૫ મિનિટમાં તૈયાર કરી દેવાઈ. કોઈપણ વ્યક્તિ સાંભળીને અચંબિત થઈ જાય કે આટલા સમયમાં આવી ઇમારત કેવી રીતે ઊભી થઈ શકે. પણ આ હકીકત છે. 



ચીનના ચાંશામાં બ્રાં ગ્રુપ દ્વારા આ દસ માળની બિલ્ડિંગ બનાવવામાં આવી છે. બ્રોડ ગ્રુપ ચીનનું જાણીતું ઔદ્યોગિક જૂથ છે. તાજેતરમાં જ આ ગ્રુપ દ્વારા ૨૮ કલાક અને ૪૫ મિનિટમાં જ આ બિલ્ડિંગને બનાવવામાં આવી છે. આટલા ઓછા સમયમાં થયેલા આ નિર્માણકાર્યએ ઇન્ટરનેટ પર હલચલ મચાવી દીધી છે. આ ઇમારત ૨૮ કલાકમાં બની તેનો વિડીયો અને તેના ફોટા સામે આવ્યા ત્યારે તેને જોનારા પર આશ્ચર્યમાં ડૂબી ગયા. બધાના મનમાં એક જ સવાલ ઉદભવ્યો કે નિર્માણની આ અદભુતગતિનું રહસ્ય શું છે. વાસ્તવમાં આટલા ઓછા સમયમાં આ બિલ્ડિંગને બનાવવા માટે પૂર્વનિર્મિત નિર્માણ પ્રણાલિનો પ્રયોગ કરવામાં આવ્યો છે. તેના હેઠળ ઇમારતનું નિર્માણ નાના-નાના બ્લોકને ભેગા કરીને કરવામાં આવ્યું છે. 



આ બ્લોકને કારખાનામાં પહેલેથી જ તૈયાર કરી દેવાયા હતા. પહેલેથી જ તૈયાર કરવામાં આવેલા આ બ્લોકને કન્ટેનર દ્વારા બિલ્ડિંગ બનાવવાનું હતું તે સ્થળે લાવવામાં આવ્યા. આ બ્લોક્સને પછી બોલ્ટની મદદથી જોડવામાં આવ્યા. આ રીતે સમગ્ર બિલ્ડિંગ બનીને તૈયાર થઈ ગયું. તેના પછી તેને વીજળી અને પાણીનું જોડાણ આપવામાં આવ્યું. વાસ્તવમાં આ બિલ્ડિંગ બનાવવામાં આવ્યું તેમ કરતાં તેને ઇન્સ્ટોલ કરવામાં આવ્યું તેમ પણ કહી શકાય. તેના વિડીયોમાં એક સમૂહનું તેમ પણ કહેવું હતું કે આ ઇમારતનું ઇન્સ્ટોલેશન એકદમ સરળ હતું. ફક્ત બોલ્ટ વડે બે બ્લોક્સને એકબીજા વડે સારામાં સારી રીતે જોડે અને પછી વીજળી અને પાણીનું જોડાણ પૂરું પાડી દો, બસ કામ ખતમ.


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ